Posted by: ઝાકળના સ્પંદન | August 26, 2011

વિજયી સ્મિત

ઘરમાં નિરવતા હતી. શાંતી હતી. નિ:સ્તબ્ધતા હતી. અને તે સાંજના ધૂંધળા થતાં જતા પ્રકાશમાં તેના માનીતા હીંચકા પર બેઠો હતો. ધીમે ધીમે આવતો હીંચકાનો કિચૂડ કિચૂડ  અવાજ અને બાલ્કનીમાંથી દેખાતા આછા અજવાસ સિવાય સઘળું નિષ્ક્રિય લાગતું હતું.

તેને થયું કે કદાચ તે પોતે પણ…….પણ ના તે નિષ્ક્રિય નહોતો. તેનું મન વિચારોની પકડદાવ રમતું હતું.

તેને યાદ આવ્યું કે લગભગ બે કલાકથી તે આમ જ હિંચકા પર બેસી રહ્યો છે. અને હા! કદાચ કશુંક વિચારી પણ રહ્યો છે. પણ શું?  ઘરમાં સાવ જ નિર્જનતા હતી. એકલતા હતી છતા તે ખાલી ન હતો. અચાનક તેના કાનની ચારેબાજુ કિલકિલાટ કરતા, રમતા કૂદતા ઝરણા જેવું હાસ્ય ફરી વળ્યું.

તેને યાદ આવ્યું આ તો રુચિનું હાસ્ય! હા! આ રુચિના હાસ્યનો સથવારો અચાનક જ તેનો સાથી બની ગયો હતો. રુચિ સારી છોકરી હતી. તેને થયું કે હતી?  કેમ શું હવે નથી?  પણ કદાચ તેને માટે જ ફક્ત હતી. તે ખૂબ જ સુંદર ન હતી પણ તેનું હાસ્ય ઘણું જ સુંદર ને મીઠું મઝાનું હતું.  એક્દમ મુક્ત અને નિખાલસ. જ્યારે જ્યારે તે એનું હાસ્ય સાંભળતો બસ ખોવાઈ જતો તેમાં.

.

       તેને સ્થળ-કાળ અને પોતાની જાતનું વિસ્મરણ થયું અને તે હાસ્યના તરંગોને પકડીને ક્યાંય દૂર ચાલ્યો ગયો એક અનોખી અદભુત સૃષ્ટિમાં. ત્યાં એ હાસ્યના કણ કણ ચોતરફ ઊડી રહ્યા હોય અને તેની સાથે તે મસ્તી કરતા થાકતો જ ના હોય.

આજે પણ એમ જ થયું. તેના બધા જ વિચારોની ગંભીરતા, ઘરની એકલતા તોડીને એ હાસ્યના તરંગો હવામા ફેલાઈ ગયા.

તેનાથી રહેવાયું નહી. તેણે હિંચકો હલાવવો બંધ કરી દીધો. અને ઊભો થઈ ગયો.

પછી જોરથી બે હાથે કાન દાબી દઈને તેણે ત્રાસજનક- ભયજનક ત્રાડ જેવી ચીસ પાડી,

નહીં! નહીં!

થોડી ક્ષણ તેના પડઘા રૂમમાં ફેલાઈ ગયા અને પાછી એ જ  નિ:શબ્દ નિરવ શાંતી- … નિર્જનતા. …..

તેણે કાન પરથી હાથ હટાવી લીધા. અને એ શાંતીમાં તેણે કાન દઈને કશુંક સાંભળવાનો પ્રયત્ન કર્યો. પણ વ્યર્થ !

     અચાનક તેને ખ્યાલ આવ્યો કે ઘરમાં સંપૂર્ણ અંધકાર છવાઈ ગયો છે.  અને એ અંધકારમાં તરફડીયા મારી રહ્યો છે. અચાનક આ શાંતી ભેદાઈ ગઈ. તેનું મગજ ફાટ ફાટ થવા લાગ્યું. અંધકારનો અવાજ તેનાથી સહન નહોતો થતો. તે નિ:શબ્દ પણ એકધારો ગળું દાબતો અવાજ …….તેના શ્વાસને રુંધવા લાગ્યો…. પણ લાઈટ કરવાની તેની હિંમત નહોતી  થતી.  આખરે તે પરસેવે રેબઝેબ થઈને ઢળી પડ્યો ફરસ પર.

વીસેક મિનીટ બાદ તે સ્વસ્થ થયો. અને જોયું તો અંધકાર વધું ઘેરો હતો. જાણે તેને ચાર આંખો હતી ને દસ હાથ. અને તેને ભરડો લેવા તેના તરફ ઘસી રહ્યો હતો.

 અને અચાનક તેને એક અટ્હાસ્યનો ભાસ થયો. તે ખરેખર ડરી ગયો.

અચાનક તેને થયુ શું રુચી આવી છે? . અને પોતાની કલ્પના પર તે ગુસ્સે થયો. તે તેના હાસ્યને ભૂલી ગયો હતો. ઘણું ઘણું મગજ કસવા છતા એ હાસ્યનો એક કણ સુધ્ધા તેના હાથમા આવતો ન હતો.

 તેને થયું કે તે કોણ છે?

તેને લાગ્યું કે તે આ દુનિયાથી અલિપ્ત થઈ ગયો છે.

તે અંધકારના બાહુપાશમાં ભીંસાવા લાગ્યો. આખરે તે મરણતોલ જેવો થઈ ગયો.

   અચાનક જ આ બધા તત્ત્વોને ભેદતી ડોરબેલ રણકી ઊઠી અને બધામાં જ અચાનક ચેતનતાનો સંચાર થયો.  તેણે ઝડપથી લાઈટ ઑન કરી.  રૂમનું અજવાળુ તેની આંખોને ખૂંચવા લાગ્યું. તેનાથી તેની આંખો પૂરેપૂરી ખોલી શકાઈ નહી.  તેણે ઝડપથી દરવાજો ખોલ્યો,

“તમે જ મી. પ્રકાશ પી. શાહ છો ને?”

“હા!“

તેને હાશ થઈ કે તે હવે પોતાને ઓળખી શકશે પ્રકાશ પી. શાહ તરીકે.  નહી તો……. તે તો….. ક્યારનો મથતો હતો પોતાને ગોતવા…

“તમારા નામનું કુરીયર છે”

તેણે યંત્રવત સહી કરીને કુરીયર લીધું. અંદર આવીને હીંચકે બેસીને તેણે જરા શ્વાસ લીધો.

ફેલાયેલા અજવાસમાં પોતાની આંખોને બળપૂર્વક પૂરેપૂરી ખોલીને કુરિયરમાં આવેલ પત્રના અક્ષ્રર ઉકેલવા મથ્યો.

પત્ર રુચીનો હતો. તેના લગ્ન લેવાયા હતા અને ઇચ્છતી હતી કે તે હાજર રહે Read More…

Advertisements
Posted by: ઝાકળના સ્પંદન | August 26, 2011

નિર્ણય

 અનુષ્કા, આયોગ, અવનિલ અને ફીરોજ આ ચારે ની દોસ્તીની મિશાલ કોલેજના હર કોઈ વિધ્યાર્થી આંખ મીચીંને આપતા. ચારે જણા ની ભાઈબંધી એટલી પાકી હતી કે એકમેકના મનમા શું ચાલે છે તે વગર કહ્યે પણ તેઓ સમજી શકતા. કોલેજનો ઉચ્ચ અભ્યાસ પુરો કર્યા બાદ તેઓને વિવિધ ઓફીસમા નોકરીઓ મળી ગઈ. અનુષ્કા એક સરકારી કંપનીમા એચ. આર ની જોબ નિભાવતી હતી અને અવનિલ તે જ ઓફીસમાં સેલ્સ અધિકારી હતો. આયોગ એક પ્રાઈવેટ કંપનીમા ટેક્ષ કંસલ્ટંનટં તરીકે કામ કરતો હતો. જ્યારે ફીરોજે તેના સ્વભાવને અનુરૂપ પોતાની ઈવેંટ મેનેજમેંટની કંપની શરુ કરી હતી.

ચારે જણા એક જ  રોડ પર નજીક નજીકના બિલ્ડીંગોમા વર્ષોથી રહેતા હતાં. ચારે જણા સવારના મોર્નીગવોક પર અચૂક મળતા. વોક કરતા કરતા તેઓ પોતાની રોજીંદી વાતોની આપ લે કરી લેતા.

એકજ કંપનીમા નોકરી કરતા અનુષ્કા અને અવનીલ સાથે કામ કરતા કરતા ખુબ નજીક આવી ગયા હતા. ઓફિસ સિવાય ના સમય દરમ્યાન પણ તેઓ હવે સાંજે મળતા ક્યારેક ફિલ્મ જોવા જતા તો ક્યારેક મરીનડ્રાઈવની પાળે બેસીને ચણા ખાતા ખાતા એક મેક મા ખોવાઈ જતા.

તેમને હવે સમજાઈ ગયુ હતું કે તેઓ હવે મિત્રતા થી આગળ વધીને એક્મેકના પ્રેમમાં પડી ચૂક્યા છે. અને પ્રેમના આ મદહોશ નશામાં રત તેઓ એ એક વાર બધીજ મર્યાદા ઓળંગી દીધી. આજે અનુષ્કા તેના ઘરે અવનીલ સાથેના પ્રેમસબન્ધ વિશે વાત કરીને લગ્નની મંજૂરી માંગવાની હતી . અવનીલે પણ પોતાના ઘરે આજે વાત કરવાનું નક્કી કર્યું હતું.  સાંજ પડતાજ બન્ને અવનીલ ના બાઈક પર સવાર થઈ ને મરીનડ્રાઈવ તરફ હંકારી ગયા. ત્યાં બેસીને પોતાના રંગીન સંસારના સ્વપ્નો બન્ને એ જોયા . સામે જળસમાધિ લેતા લાલ ચટક સૂર્યના ગોળાને તેની અપૂર્વ આભા પ્રસરાવતો જોતા જોતા તેઓ ઉભા થયા અને ઘરે જઈને વડિલોની સંમતીની મહોર લાગે એટલે પછી પરણી જઈએ તેવા અરમાન સાથે બન્ને બાઈક પર સવાર થયા. પણ વિધીને કંઈક જુદુજ મંજુર હતું. ખિલખિલાટ હસતા , વાતોમા મશગુલ અવનીલના ધ્યાનમાં સહેજ શરતચૂક થઈ ને તેનું બાઈક ધડાકાભેર ફ્લાઈઓવરની દિવાલ સાથે અથડાયું અને અવનીલ બાઈક ઉપરથી ઉછળીને રોડ પર પડ્યો તે જ સમયે પાછળથી આવતી ટ્રકનું પૈડું તેના ઉપર ફરી વળ્યું. અને તે લોહી લુહાણ હાલતમા રસ્તા પર ચત્તોપાટ પડ્યોં. તેનું પ્રાણપંખેરું ત્યાજ ઉડી ગયું. અનુષ્કાને પણ ઈજાઓ થઈ પણ તે રસ્તાના એક ખૂંણામા ફંગોળાઈ ગઈ હતી અને બેહોશ થઈ ગઈ હતી. બધું એટલું અચાનક  બન્યું કે જેનો કદી સ્વપનમા પણ વિચાર ના થઈ શકે

લગભગ ત્રણ મહીના બાદ અનુષ્કા આજે જોબ પર જવાની હતી. તેના માથામા આવેલ  ટાંકાઓ ને હવે રૂઝ આવી રહી હતી. પણ તેના હૈયા પર તો બળબળતા ઝખમો હજી એવા ને એવા જ દુઝી રહ્યા હતા.

અવનીલના મ્રુત્યુના આઘાતે તેને સાવ સૂનમૂન બનાવી દીધી હતી. ઘરના લોકોને તે તેમના બન્નેના સંબંધો વિશે કશું કહી ના શકી. અને હવે કહીને પણ શું? તેણે વિચાર્યું. મારી કિસ્મતમાં ન જાણે શું લખાયું છે ? Read More…

Posted by: ઝાકળના સ્પંદન | August 26, 2011

બાળક અને વ્રૂધ્ધ

                              

થોડા સમય પહેલા કોઈ અંગ્રેજી ચિત્રકારે દોરેલું ચિત્ર સરસ ચિત્ર જોયું હતું કે એક અતિશય વૃદ્ધ માણસ લાકડીના ટેકે સ્વર્ગના દરવાજા તરફ જઈ રહ્યો છે, અને તે જ સમયે એક હસતા ગલગોટા જેવું નિર્દોષ બાળક બહાર નીકળી રહ્યું છે. બન્ને એકમેકની સામે મૂક હાસ્યથી જોઈ રહ્યા છે. બે ઘડી નજર હટાવવાનું મન ના થાય. ખરેખર જ વિધિની કમાલ છે !

એક બાળક અને એક વૃદ્ધ – એક જીવનમાં પ્રવેશ કરવા માટે પગ માંડે છે, જ્યારે બીજો જીવનમાંથી નીકળવા પગ ઉપાડતો હોય છે. બંન્નેની દિશા ભિન્ન છે, બન્નેના સ્વભાવ, વય, વિચારો, કલ્પનાઓ સઘળું અલગ છે છતાં એક બિંદુ એવું હોય છે જ્યાં આગળ આ બન્ને સામસામે મળે છે, એ બિંદુ પર બન્ને સરખા બની જાય છે. એકરૂપ જાણે, તેમનામાં કશો ભેદ રહેતો નથી. બન્ને જણાં જાણે મૌનમાં જ ઘણી ઘણી વાતો સમજાવી દે છે અને થોડા સમય માટે એકબીજાનો હાથ પકડી, આંગળી પકડી લઈને આનંદના સાગરમાં ગરકાવ થઈ જાય છે. સ્વાર્થી દુનિયા તેમની વચ્ચેથી ઓગળી જાય છે. તમે કલ્પના કરો, અથવા કદાચ તમે ક્યારેક જોયું પણ હશે કે એક અતિશય વૃદ્ધ અને એક નાનું ડગુમગુ ચાલતું બાળક (બન્નેની ચાલ સરખી જ હોય છે !) એકબીજાની આંગળી પકડી રસ્તામાં ચાલતા હોય….એ કેટલું સુખદ દશ્ય હોય છે ! એ દશ્ય વિચારમાં નાખી દે છે કે કોન કોનો સહારો ? બાળક વૃદ્ધનો કે વૃદ્ધ બાળકનો ? છતાં એક ફરક આંખે ઊડીને વળગે છે… એ છે… એક બિનઅનુભવી અને બીજો જમાનાને જાણે લો. છતાં બન્નેને એકબીજા સાથે સારું બને છે. અને આનું કારણ એ છે કે વૃદ્ધ – જે જમાનાને જોઈ ચુક્યો છે તેના ખાટામીઠા, કડવા સ્વાદોને પહેચાની શક્યો છે તે જિંદગીના અંતમાં આ કાવાદાવા, અને અટપટા સંસારથી દૂર રહેવા એક નિર્દોષ હૂંફ શોધતો હોય છે. તે થોડી શાંતિ મેળવવા ફાંફા મારતો હોય છે. તેને આ શાંતિ અને આવી નિર્દોષતા બાળકમાં જોવા મળે છે, કે જે દુનિયાદારીથી અજાણ… એવું પ્રભુનું પ્યારું, પોતાની મસ્તીમાં મસ્ત બની જીવતું હોય છે, કીલકીલાટ કરતું હોય છે. વૃદ્ધને આ તબક્કે તેનો સંગાથ સ્વર્ગ જેવો લાગે છે. તેના ઉકળતા, અશાંતિમય જીવનમાં થોડી સ્થિરતા આવે છે.

બાળપણના દિવસોને પાછા બોલાવી બાળક જેવા બની, તેમાં તન્મય થઈ પ્રભુનું નામ લેવાની સ્ફૂરણા તેના હૃદયમાં થતી હોય છે. આ રીતે અંતિમ તબક્કે બાળકનો સંગ કરાવીને પ્રભુ તેને શાંતિ અને મુક્તિનો માર્ગ ચીંધે છે. બાળક માત્ર નિમિત્ત છે પણ વિધિની વિચિત્રતા ને કોણ પારખી શક્યું છે ?

બાળક – કે જે વૃદ્ધની મુક્તિનું દ્વાર બન્યું છે, જે બીજી બાજુ આ સંસાર- સાગરમાં ઝંપલાવવા તૈયાર થઈને ઊભું છે. તેનામાં ઉત્સાહ થનગનતો હોય છે. વડીલોને પગલે ચાલવાનું તેનું કર્તવ્ય બની રહે છે, પણ હજી તે બાળક છે, તેના પગ અસ્થિર છે અને વડીલોને તે જલ્દી દુનિયાદારી શીખે તેની ઉતાવળ હોય છે…ત્યારે અણસમજુ બાળક પોતાની મૂંઝવણ ઉકેલવા વૃદ્ધની દોસ્તી બાંધે છે. વૃદ્ધ સઘળું જાણે છે અને તેને અપનાવવા ઉત્સુક હોય છે. બાળકને વૃદ્ધની કંપની ફાવે છે કારણકે તે તેના અજ્ઞાન, અણસમજુ બાળમાનસને ટેકો આપે છે. તેના જેવો થઈને તેની સાથે રમે છે, કાર્યો કરે છે અને બન્ને આનંદ અનુભવે છે.
જિંદગીનો આ એક એવો તબક્કો હોય છે જ્યારે માનવીના બે અલગ-અલગ સ્વરૂપો એકરૂપ બને છે. જીવનદોરીનું એક પ્રારંભબિંદુ અને બીજું અંતિમબિંદુ.

                                                                                                         કલ્યાણી વ્યાસ

Posted by: ઝાકળના સ્પંદન | June 24, 2010

મુકતકો

મૌન

એકલતાની ક્ષણૉને

અમોએ પાબંધીમાં બાંધી

અને પછી,

સ્વતંત્રતા પાસે માગ્યું

હાસ્યસભર મૌન.

જીંદગી

આજે ફરી સુરજ ને ઊગતો જોયો

ફરી એક કળીને પુષ્પ બનતા જોઈ

વાદળોને વરસતા જોયા

બાળકો ને હસતા જોયા

લાગ્યું જીંદગી હસીન છે

જીવવા જેવી છે.

યાચના

કલ્પનાના શિખરો પર રહીને

વાસ્તવિકતાથી અજાણ રહેવું,

ને ગતિમાન થયેલ આ જીંદગી

પર ક્યાં સુધી

ક્ષમા યાચતા રહેવું?

વેદના

આંસું ભરેલી આંખમાં

પાંપણ ડબ ડબી રહી છે

કાજળ છવાઈ ગયુ છે ને,

વેદના વહી રહી છે

Posted by: ઝાકળના સ્પંદન | June 24, 2010

તૃપ્તી


કેવુ થનગની રહ્યું છે આ ચાતક પક્ષી

હવે તેની આતુરતાનો અંત આવશે

હવે તેની મનભાવન ઋતું આવવાની છે

તેની પ્યાસ……….

ઓહ કેવી એ પ્યાસ.

ફક્ત તે જ જાણે છે તેની વેદના

પણ હવે તો અંત આવશે

વર્ષાના જલબિદુંઓ ઝિલતા

તે સ્વર્ગીય આનંદ માણશે

વર્ષાના સંગીતમા ખોવાઈ જશે

મોરના ટહુકામાં તે રમી જશે

ઝાકળના સ્વાતિબિંદુંઓને અપનાવશે

પોતાની અકળ અખૂટ પ્યાસ બુઝાવશે

રમ્ય એવી કલ્પનાઓમાં

રાચતા એ ચાતકપક્ષીને

કોણ જઈને કહે કે…….

”આ વર્ષે તો દુકાળ પડવાનો છે.”

Posted by: ઝાકળના સ્પંદન | June 24, 2010

સાર્થકતા

મન મુકીને વરસો ઓ મેઘ

મન મુકીને વરસો…..

તૃષિત થયેલ અધિર આ ધરતી

આતુર તુજ્ને નિજમાં સમાવવામાં

ટીપે ટીપે અમૃત ટપકતું

ધરતીના હૈયેથી આખોં મા છ્લકાતું

ઓહ એ હાસ્ય-ચિરસ્મરણીય……

કેવો તૃપ્તી કેરો સંતોષ..

ધરતીના હાથ હૈયાવરાળના રૂપમા

ઉડયા આભમાં મેધને પામવા

મેધનું વરસવું વર્યું સાર્થકતાને

પણ રે! સ્વાર્થી માનવ ન આવડે એને વરસી જતા

હળવાફૂલ સમ બની જતા

રહ્યો અતૃપ્તીની આગમા સળગતો

જોતો ધરતી કેરો કિલ્લોલ

પણ તપસ્યા વગર ફળ ક્યા છે

અને માનવી ક્યાં એ માટે તૈયાર છે

પછી ક્યાં છે સાર્થકતા?

નથી નથી નથી જ

હ ફક્ત સમાયેલી એ મેધમાં

ધરતી કેરી તૃપ્તીથી

ત્યાં માનવીનુ સ્થાન ક્યાં છે?

Posted by: ઝાકળના સ્પંદન | June 24, 2010

અંત નથી

આ મનના તરંગોનો અંત નથી

આ વિચારો ની સૃષ્ટી શું અનંત નથી?

વ્યકતીઓ છે અલગ અહીં બંધાયેલુ છે,

એનું વ્યકતિત્વ તેના છુંટકારાનો અંત નથી

ક્યા છે માનવી માં સ્વાતંત્રતા કેરી સૌરભ?

જ્યાં ક્ષણ ક્ષણ આવતી પરાધીનતા નો અંત નથી

સંબંધોના તાણાવાણા તો વીંટળાયેલા રહેવાના,

એ સંરંજામના ખુંટવાનો કોઇ અંત નથી.

જીવે છે જીવવા ખાતર જીવન માનવી,

પણ “આવી” તેની જીંદગીનો અંત નથી.

Posted by: ઝાકળના સ્પંદન | June 24, 2010

પરિતૃપ્તી

કાજળ ઘેરા અંધકાર મા

એક કાળુંમેશ વાદળ સરક્યું

અને વડની બખોલમાથી એ

ઘરડા ઘુવડે જોયું…

તેની આંખના ચમકારે જોયું

બિહામણી તીણી તેની કીકીયારીએ

આગીયાનુ પંખી જરા ઝબક્યું

કોઈ તારલીયો ટમક્યો ને થયો વિલીન

અને બે ઘડી પેલી નદી પણ થંભી ગઈ

તેના પ્રવાહ વચ્ચેના વમળો

વાદળાની વાત સાંભળવા

જાણે ચક્રવ્યુહો રહ્યા બનાવી

પાનના ખડખડાટે નાનકી ખિસકોલી ભાગી

તેના પગમા અટવાયો પવન

ને ઠોકર ખાઈ ગયું વાતાવરણ

અજાણ્યો તે ભીની સુંગંધે મહેંકેલો તે

અચાનક આ કોલાહલ થી સાવધ થયો

ત્યાં તેની ટચલી આંગળીનું ટેરવું બોલ્યું

મને આભે ઉડવાનો અભરખો છે

કવિની કલ્પના થઈ કલમે રેલાવાનો અભરખો છે.

ભાઈ હું તો સંગે હોવા છતા દુર છું

મારા થીજેલા લોહીને ફરી ગરમ કરો

બસ આટલો મુજ પર ઉપકાર કરો

તે સ્તબ્ધ બની જોઇ રહ્યો તેની તરફ……….

અને અચાનક શું થયું

તેણે તેની ટચલી આંગળી કરડી ખાધી

અને વહેતા ગરમ લોહીમા

બોળી કલમ તે આભે અક્ષર પાડી રહ્યો.

તેમાંથી એક કાળુંમસ વાદળ સરક્યું

કાજળઘેરા અંધકાર માં….

Posted by: ઝાકળના સ્પંદન | January 27, 2009

માનસિકતા

રાત નો સમય હતો છતા ચારે તરફ હજી પણ પુર ના પાણી નો ભયાનક અને ડરામણો ઘોંઘાટ છવાયેલો હતો. છગન કાલ રાત થી જાડ પર બેઠો હતો.તેની બાજુમાં પંડીતજી પણ બેઠા હતાં જાડની ડાળી પર. ગામ તો હવે દેખાતું પણ ન હતું. ફકત મકાનો ના છાપરા અને મોટા મોટા જાડો ની ઉપલી ડાળો જ દેખાઈ રહી હતી અને દેખાઈ રહ્યાં હતા એ વિજળી ના થાંભલાઑ ના તાર કે જેમાં ક્યારેય વિજળી આવી જ નહતી.પણ બિલ જરુર આવતું હતું………..

અચાનક ત્યારે જ જાડ ઉપર કંઈક સળવળાટ થતો અનુભવાયો .નીચે વળીને જોયું તો એક સાપ દેખાઈ રહીયો હતો કદાચ તે બિચારો પણ પોતાનો જીવ આ પાણી થી બચાવવા જાડ પર ચડી રહયો હતો. એમજ વિચારી ને છગને સાપ ને જવા માટે થોડી જગ્યા કરી આપી. સાપ ઉપર આવી ને તેની બાજુમાં બેસી ગયો. તે પોતેજ ડરી ગયેલો દેખાતો હતો તો કોઈ ને શું કરડવાનો૵ પડીંતજી ઉંઘમાં હતાૢ પણ આટલા ઘોંઘાંટ માં કેવી રીતે સુઇ શકાય. પણ થોડા ઉંઘ માં હતા નહીતર ચીસો પાડી ઉઠત સાપ – સાપ…! કરીને.

———-અચાનક ઘડામ ! દઈને આવાજ થયો. છગન થોડો ડરી ગયો. બાલુ નાં ઘર ની દિવાલ પડી ગયી હતી. આ તેના પડવાનો જ આવાજ હતો. પંડીતજી પણ સભાન થઈ ને આમ તેમ જોવા લાગ્યા. જ્યારે છગન ની બાજું માં સાપ ને જોયો તો ઈશારા થી કહેવા લાગ્યા કે તારી પાછળ સાપ છે. છગન બોલ્યો કે કાંઈ વાધોં નહી ૢ મને પુછીને જ બેઠો છે. પંડીતજી મંદ મંદ હસવા લાગ્યા. છગન ની પાસે થોડા ચણા હતા તે પોતાની પોટલી ખોલી ને ખાવા લાગ્યો. પણ સાથે કોઈ ભૂખ્યો હોય તો એકલા કેવી રીતે ખાઈ શકાય૵ તેથી તેણે પંડીતજી ને પુછ્યું કે તેઓ ચણા ખાશે?

પંડીતજી પણ ભુખ્યા હતા પણ એક પછાત જાતીના છોકરાના હાથ નું કેવી રીતે ખવાય૵ પણ બે દિવસ થી જાડ પર ભુખ્યા બેઠા હતા લટકી રહી ને ડાળ પર…….બીજો કોઇ ઉપાય પણ ના હતો. તેથી પછી તેમણે વિચાર્યુ કે ખાઈ લઉ અહી કોણ જોવાનું છે૵ કેમકે હવે ભૂખ જવાબ દઈ રહી હતી. તેથી તેમણે છગન ની સાથે ચણા ખાઈ લીધા.હવે બંનેની ભૂખ લગભગ શાંત થઈ ગયી હતી.અને જ્યારે પેટમાં અન્નનો દાણો પડે તો ઉંઘ પણ આવી જતી હોય છે.તેથી બન્ને થોડીવારમાં જ સુઈ ગયા. અને બિચારો એ બન્નેને જોતો રહ્યો જાણે કે પહેરો દેતો હોય.
સવાર ના પંછીઓ ના કલરવે બન્નેની ઉંઘ ઉડી ગયી..જોયુ તો દૂર દૂર ગામના છોકરાઓ તરાપો જેવું બનાવી ને તેમની તરફ જ આવી રહીયા હતા….

પંડીતજી એ ઉભા થઈ ને હાકોટા પાડીને ધ્યાન દોરવા માંડ્યું. તે સાંભળી ને છોકરાઓ તેમની નજીક આવી પહોંચ્યા. જેવો તરાપો નજીક આવ્યો કે પંડીતજી કુદીને તેમાં બેસી ગયા અને હુકમ કરવા લાગ્યા કે ચલો ચલો જલ્દી ચલો ! છોકરાઓ એ પુછ્યું કે શું છગન ને નથી લેવાનો? તો તેમણે કહ્યુ કે બીજા ફેરામાં આવો ત્યારે લઈ જજો તેને. અને તેઓ નીકળી ગયા………………. …..તરાપો દૂર જઈ ચુક્યો હતો. છગન અને સાપ બન્ને જણા તેને જતો જોયા કરતા હતા.

છગને વિચાર્યુ કે ભલુ થજો કે સાપ માં જાતીપ્રથા નથી.

અને સાપ વિચારી રહ્યો હતો કે સારુ થયું કે હું મનુષ્ય નથી.

Categories